Tuesday, February 8, 2011

JAY GOGA JAY SEMOJ

   શિવે વિચાર્યું કે હવે સાંબળ ને સંસારી બનાવ્યે જ છુટકો !  શિવ દ્વારા સાંબળ ને પરણવા માટે જ્યારે પૂછવા માં આવ્યું ત્યારે પોતાના  અંતર ની વાત શિવ મુખે સાંભળતા તે અત્યંત આનંદ માં આવી ગયો. અને આનંદ ના અતિરેક માં તે અટ્ટ હાસ્ય કરવા માંડ્યો. શિવે વિચાર કર્યો કે સાંબળ અત્યંત ભોળો તથા નિષ્પાપ છે. તે સંસાર ની માયા તથા કાવા- દાવાઓ થી તદ્દન અજાણ હોઇ સંપૂર્ણ અને સોળ ગુણ સંપન્ન કન્યા હશે તો જ તેનો સંસાર રૂપી રથ સુખરૂપ પાર પાડી શકશે.  કૈલાસ ની તમામ  અપ્સરાઓ પૈકી ની એક માત્ર હિરા માં જ આ  લાયકાત હતી. પરંતુ હિરા સાંબોળ સાથે પરણવા સીધી રીતે તૈયાર થાય તે અશક્ય હતું. અને વળી સાંબોળ હિરા નામની અત્યંત સ્વરૂપવાન તથા સોળ ગુણ સંપન્ન અપ્સરા સાથે જ પરણવા ઇચ્છતો હતો. એટલે શિવે હિરા સાંબોળ સાથે પરણે તે સારું એક યુક્તિ રચી.
            શિવે સાંબળ ને બોલાવી સાનમાં સમજાવ્યો કે હું આપણા કૈલાસ ની તમામ અપ્સરાઓ ને તારી પરણવા માટે ની પસંદગી માટે એક લાઇન માં ઊભી રાખીશ. અને ત્યાર બાદ એ તમામ માંથી કોઇ પણ એક નો પલ્લો પકડી લેવા માટે તને કહીશ. એ સમયે હિરા પોતાનું સ્વરુપ બદલી અત્યંત ભયંકર રાક્ષસી જેવી થઇ જશે. આમ જે ભયંકર, ઉગ્ર અને બિહામણા સ્વરુપ વાળી  દેખાય તે જ હિરા હશે જેથી તું તેનો જ પલ્લો પકડી લેજે.
ભૂલતો નહિ, અને તેમજ થયું. આમ હિરા તથા સાંબોળ સંસારી થયાં.
            હજારો વર્ષ બ્રહ્મચારી ,તપસ્વી અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધેલા સાંબોળ ના હિરા સાથેના સુખરૂપ દાંપત્ય જીવનથી તેના વંશ ની વૃધ્ધી થ ઇ. આ વંશ હિરાવંશ કહેવાયો. તથા આ વંશ નો સભ્ય હિરાવંશી કહેવાયો. આ હિરાવંશ ની દીકરીઓ હિરા જેવી હિરાવેદ (અત્યંત વ્યવહારું, કાર્ય દક્ષ તથા કોઠાડાહી ) તથા પુરુષો શિવ અંશ સાંબલ જેવા જ પ્રતાપી, ચારિત્ર્ય વાન, ખડતલ, બળવાન ,ઓજસ્વી, નિષ્કલંક તથા ભોળા અને નિસ્પૃહી પાક્યા. હિરાવંશીઓ જંગલોમાં તથા ભૂમિ ના અન્ય તમામ ભાગોમાં ભગવાન શિવ દ્વારા પોતાને સોંપાયેલ ફરજ ના ભાગ રૂપે પોતાની સાંઢણીઓ ને યથેચ્છ રીતે ચરાવવા માંડ્યા. તેના કારણે અન્ય પ્રજાજનો ને તેમના દ્વારા કરાતી ખેતી માં ભેલાણ તથા નુકસાન થવા માંડ્યું. અને તેઓ દ્વારા રાજાઓ (ક્ષત્રિયો) ને ફરિયાદો કરવા માં આવી. પરંતું ભગવાન શિવ દ્વારા ઉત્પન્ન અને આશીર્વાદ પ્રાપ્ત સમાજ ની વિરુધ્ધ કોઇ પણ પ્રકાર ની કાર્યવાહિ કરવી તે તેઓના સામર્થ્ય બહાર ની વાત હોઇ તેઓ ને બળથી નહિ પણ કળથી જ જીતાશે એમ માની રાજાઓ સ્વયં હિરાવંશી ઓ ને વિનંતી થી સમજાવવા સામે ચાલી તેઓની પાસે ગયા. હિરાવંશીઓ ને રાજા દ્વારા વિનંતી કરવામાં આવી કે તમો શિવના વિશેષ કૃપા પાત્ર હોઇ અમારા કરતાં પણ અત્યંત બળવાન છો એ વાત અમો સ્વિકારીએ છીએ. અમારા રાજ્ય શાસન માં રહેતી પ્રજા ખુબજ ઓછી જમીન માં ખેતી કરી તેનું ગુજરાન ચલાવે છે, વળી આટલી ઓછી ભૂમિ માં રાજ નું તથા પ્રજા નું માંડ પૂરું થાય છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે તમો રાજ થી દૂર રહો તો સારું, તમો હિરાવંશીઓ જે શરત મુકશો તે અમોને કબૂલ,મંજૂર અને બંધનકર્તા છે.ત્યારે રાજાઓ સાથેની મંત્રણાઓ મુજબ હિરાવંશીઓ એ કહેલું કે “ ત્રણ ભાગ પૃથ્વી અમારી ચોથીયા માં રાજા રાજ કરો ! ”  આમ પહેલાં ના જમાનામાં પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા હિરાવંશીઓ નું વિશાળ જંગલો ની જમીનો, ચરાણો, ખેતી ન થ ઇ શકે તેવી પડતર જમીનો તથા ચોમાસુ પાકો લીધા પછી મોટા ભાગની પડતર જમીનો માં પોતાના પશુધન ના ચરાણ થી વ્યવસ્થિત રીતે પાલન થતું. (વસ્તી વધતાં તથા માનવો ની  ભૂમિ ભૂખ વધવાની સાથે અગાઉ રાજાઓ દ્વારા હિરાવંશીઓ સાથે થયેલ કરાર ભંગ થવા માંડ્યો. જંગલો કપાતા ગયા અને ચરાણ ની જમીનો ઓછી થવા માંડી. આના કારણે રાજ્ય શાસન (જૂના રજવાડાઓ) દ્વારા કંઇક અંશે માલધારીઓ ના હક્કો જળવાઇ રહે તે સારું ગૌચર તથા ચરાણ ની અને વિડ ની જમીનો નીમ કરવામાં આવી તથા તેમાં અન્ય કોઇનું દબાણ ન થાય તે સારું કાયદા બનાવવા માં આવ્યા. પરંતું માલધારી સમાજના દુર્ભાગ્યે  તેમના ભોળપણ  અને ભણતર ના અભાવે, તેમને હક્કો ની જાણકારી ના  હોઇ કહેવાતા જાગૃત લોકોએ ગૌચર અને ચરાણ ની જમીનો ઉપર કબજા જમાવ્યા અને સરકારોએ પણ સ્વતંત્રતા બાદ રજવાડાઓમાં માલધારીઓ ના હક્કો જે જળવાઇ રહ્યા હતા તેની સામે ઉદાસિનતા સેવી. દબાણ કર્તા સામે પગલાં લેવાની જગ્યાએ દબાણો ને નિયમ બધ્ધ કરી આપી આ પ્રવૃતિને વેગ આપ્યો. આમ માલધારી સમાજ પાંગળો થઇ ગયો.)
           રાજાઓ દ્વારા ત્રણ ભાગ જમીન હિરાવંશીઓ ને આપવા અંગે ના કરારો થતાં તેઓ રાજ્યની બહાર રહેવા માંડ્યા. આમ તેઓ રાજ-બારી, રા-બારી, રબારી કહેવાયા. વળી પૂર્વે મોટા ભાગની જમીનો જંગલ વિસ્તારની હોઇ તમામ નગરોને જોડતા રસ્તા જંગલો માંથી પસાર થતા. તમામ માર્ગો ના ભોમિયા તથા જંગલોમાં મુક્ત રીતે રાની પશુઓ કે અન્ય કોઇ પણ પ્રકારના ભય થી સદાય મુક્ત રબારી સમાજ જ વિહાર કરી શકતો. આ સમાજ નગરજનો, રાજા રજવાડા તથા સૈન્ય ને ભોમિયા તરીકે સેવાઓ આપતો એટલે તે રાહબારી તરીકે પણ ઓળખાતો. જંગલ માં તેમની સેવા ચાકરી માં આજ ની જેમ કંઇ કચાશ ન રાખતો, ખુબજ ભાવથી અને હૈયાના ઉમળકાથી તેના આંગણે પધારેલ અતિથિ ને પરોણાગત કરાવતો. અને વળી જ્યારે તે અતિથિ વિદાય થાય ત્યારે મોટેરાંઓ ના આદેશ મુજબ આ સમાજના જુવાનિયાઓ આંગણે પધારેલ અતિથિ   તે પછી રજવાડા માંથી આવતી બહેન કે દીકરી એકલી પણ કેમ ન હોય તેને કોઇ પણ પ્રકાર ના વિકાર વગર મૂકવા જતો. આ સમાજ પાસે વિકાર તો હતો જ નહીં. રજવાડાઓ ને આ બાબતે પૂરો ભરોસો હતો. અને એટલે જ આ દૈવી ગુણોથી ભરેલ આખા સમાજ ને તેઓ દેવ (શિવ) અંશ થી ઉત્પન્ન થયેલ હોઇ દેવ-અંશી, દેવાંશી કે દેવાશી કહેતા. પાંડવો  દ્વારા આ આખા સમાજ ને તે દૈવી સમાજ હોઇ દેસાઈ નો ઇલકાબ મળેલ છે. આમ આ આખો સમાજ દેસાઈ ની પદવી મહા પુરુષોના હાથે પામેલ છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે. આ પદવી છેક અંગ્રેજો ના સમય સુધી કોઇ  વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવતી. આજે પણ ઘણા સમાજો માં, મુસ્લિમ સમાજ માં પણ મર્યાદિત કુટુંબો અંગ્રેજો કે નજીકના સમય નાં રજવાડાં દ્વારા મળેલ આ પદવી થી દેસાઈ અટક ધારણ કરે છે.
                                  બસ આજે આટલું જ........ ફરી ક્યારે આપ સૌના સારા પ્રતિભાવ ની અપેક્ષાએ ફરી લખીશું..........                           આપ સૌને નમ્ર વિનંતી કે લખાણ માં કંઇ ભાષાકીય અશુદ્ધિ જણાય તો તેમાં યોગ્ય સુધારો કરશો 
                                             

No comments:

Post a Comment